આ વાક્યો વાંચો જોઈએ :
1. એના દાંત સુંદર છે.
2. એના દાંત દાડમની કળી જેવા સુંદર છે.
કયું વાક્ય ગમ્યું? બીજું વાક્ય, ખરું ને! કેમ કે જે કહેવું છે તે બીજા વાક્યમાં સુંદર અને સચોટ રીતે કહેવાયું છે. આ બીજું વાક્ય ગમ્યું? બીજું વાક્ય, ખરું ને! કેમ કે જે કહેવું છે તે બીજા વાક્યમાં સુંદર અને સચોટ રીતે કહેવાયું છે. આ બીજું વાક્ય અલંકાર ધરાવે છે તેમ કહેવાય.
અલંકાર એટલે ઘરેણું. ઘરેણું એ શરીરના સૌંદર્ય માટે હોય છે. એ રીતે ભાષાના સૌંદર્ય માટે પણ અલંકારો હોય છે. તેનાથી વાંચનમાં આનંદ પ્રગટે છે. આંખ સામે ચિત્ર ખડું થતું હોય એવી લાગણી અનુભવાય છે. કેવી કેવી રીતે ભાષાને અલંકારવાળી બનાવી શકાય તેના વિશે આપણે થોડું સમજીએ.
અલંકારો બે પ્રકારના હોય છે: શબ્દાલંકાર અને અર્થાલંકાર.
શબ્દાલંકાર :
શબ્દોમાં પ્રાસ રહેલો હોય એવી રચના એટલે શબ્દાલંકાર. જુઓ, કંચને કાચના કબાટમાંથી કાચી કેરી કમલને આપી. (‘ક’ વર્ણના પુનરાવર્તનને કારણે વાચનમાં મજા આવે છે.)
1. હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે ! ('હ' વર્ણનું પુનરાવર્તન)
2. ઝૂકી ઝાડના ઝૂંડની ઝાઝી ઝાડી... (‘ઝ’ વર્ણનું પુનરાવર્તન)
3. સહિયારનો સાથ તજ્યો સામટો રે લોલ. ('સ' વર્ણનું પુનરાવર્તન)
આ શબ્દાલાંકારના વર્ણાનુપ્રાસનું ઉદાહરણ છે.
હવે અંત્યાનુપ્રાસ અલંકારનાં ઉદાહરણ જોઈએઃ
1. અડી કડી વાવ ને નવઘણ કૂવો
જેણે ન જોયો એ જીવતો મુવો. (પંક્તિના અંતના શબ્દોમાં પ્રાસ છે.)
2. તું નાનો હું મોટો
એવો ખ્યાલ જગતનો ખોટો
હજી શબ્દાલંકારના જ આંતરપ્રાસ, યમક વગેરે પ્રકાર છે.
અર્થાલંકાર : શબ્દ દ્વારા સીધો પ્રાસ ન હોય પણ એના અર્થમાં સૌંદર્ય પ્રગટે અને વાચનનું અર્થગ્રહણ કરવામાં આનંદ આવે એવી રચના એટલે અર્થાલંકાર. એના પણ ઘણા પ્રકારો છે. એ પૈકી એક વિશે આપણે જાણીએ :
ઉપમા અલંકાર :
ઉપમા અલંકાર સમજતાં પહેલાં આપણે ઉપમેય અને ઉપમાનનો ખ્યાલ મેળવીએ. ઉપમેય એટલે જેની સરખામણી કરવાની હોય તે. ઉપમાન એટલે જેની સાથે સરખામણી કરવાની હોય તે, જેમ કે, આ ખેલાડી સચિન તેંડુલકર જેવો છે. (સચિન સાથે ખેલાડીને સરખાવ્યો છે.)
આ વાક્યમાં ખેલાડી ઉપમેય છે. સચીન ઉપમાન છે, જેવો ઉપમાદર્શક છે. ક્રિકેટની રમત સાધારણધર્મ છે.
આ ટ્રેન વીજળી જેવી ઝડપી છે.
સાવ બાળકના સમું છે આ નગર.
મખમલ સરખી ગાયની ચામડી હતી.
આંબા શી એ બાવળની ઘટા હતી.
આ અલંકારમાં જેવી, સમ, સમાન, સરખી, શા, શો, શી, જેમ જેવડું, માફક સમોવડું વગેરે ઉપમાવાચક શબ્દો વપરાય છે.